રત્નસંદેશ - પંડિતરત્ન વ્રજકિશોર ધ્યાની
જ્યારે કુંડળીમાં કોઈ ગ્રહ ખરાબ હોય ત્યારે તે અશુભ ફળ આપે છે. ગ્રહ નબળો હોય તો તેનું શુભ ફળ મળતું નથી. ગ્રહો શુભ અને બળવાન હોય તો સારું ફળ આપે છે. ખરાબ ગ્રહોને શુભ બનાવવા કે બળવાન બનાવવા માટે મંત્ર, યંત્ર, રત્ન, દાન, ઉપવાસ એમ અનેક પ્રકારના ઉપાયો અજમાવી શકાય છે. આ બધાં જ ઉપાયોમાં રત્નધારણ શ્રેષ્ઠ છે. જે-તે ગ્રહનું રત્ન ધારણ કરવાથી ગ્રહજન્ય દોષ અને કષ્ટોમાંથી મુક્તિ મળે છે. રત્ન ધારણ કરવા પાછળ કેટલીક માન્યતાઓ છે, પરંતુ તે બધી જ સાચી નથી, તેથી રત્નો વિશે થોડી સાચી માહિતી મેળવીએ.
* ગુરુનું રત્ન પોખરાજ અને સૂર્યના રત્ન માણેકની વીંટી એકસાથે ક્યારેય ધારણ કરવી નહીં.
* શુક્રરત્ન હીરો અને બુધરત્ન પન્નાની વીંટીઓ એકસાથે ક્યારેય ધારણ કરવી નહીં.
* ગુરુરત્ન પોખરાજ અને મંગળરત્ન પરવાળુંની વીંટી ક્યારેય એકસાથે ધારણ કરવી નહીં.
* ચંદ્રરત્ન મોતી અને શુક્રરત્ન હીરાની વીંટી એકસાથે ધારણ કરી શકાય છે. આમ કરવાથી ઉત્તમ પત્ની મળે છે.
* ચંદ્રનું રત્ન મોતી અને નીલમ સાથે પહેરવાથી શેરબજાર-સટ્ટામાં ખૂબ ફાયદો થાય છે.
* નવ ગ્રહોનાં રત્નોની વીંટી બનાવીને પહેરવી નહીં. આ સિવાય નવ ગ્રહોની અલગ-અલગ વીંટીઓ પણ એકસાથે ધારણ કરવી નહીં. નવ ગ્રહ રત્નની વીંટી ધારણ ન કરાય, પરંતુ તેના ધારણ કરવાના લાભ નવ ગ્રહ યંત્રના પૂજનથી જરૂર કરી શકાય.
* જે ગ્રહોનાં નંગ પહેરીએ તેમના દેવો વિષે જાણવું જરૂરી છે. સૂર્યના દેવ અગ્નિ, ચંદ્રના દેવ વરુણ, મંગળના દેવ સ્કંદ, બુધના દેવ કેશવ, ગુરુના દેવ ઇન્દ્ર, શુક્રના દેવી શુક્રાણી અને શનિના દેવ બ્રહ્મા છે.
* ચંદ્રરત્ન મોતી અને બુધરત્ન પન્ના કનિષ્ઠિકા એટલે કે ટચલી આંગળીમાં ધારણ કરી શકાય.
* શુક્રરત્ન હીરો, સૂર્યરત્ન માણેક અને મંગળરત્ન પરવાળું અનામિકા આંગળીમાં ધારણ કરાય.
* શનિરત્ન નીલમ મધ્યમા આંગળીમાં ધારણ કરાય.
* ગુરુરત્ન પોખરાજ તર્જની આંગળીમાં ધારણ કરાય. આ સિવાય શુક્રરત્ન હીરો, મંગળરત્ન પરવાળું, ગુરુરત્ન પોખરાજ, રાહુરત્ન ગોમેદ અને કેતુરત્ન લસણિયું (વૈદૂર્ય) તર્જની આંગળીમાં પહેરી શકાય છે.
* મિત્ર ગ્રહોની આંગળી પર પણ રત્નની વીંટી ધારણ કરી શકાય.
* રત્નો જ્યાં સુધી ખાણમાં હોય ત્યાં સુધી જીવ ધરાવે છે એવું માનવામાં આવે છે. ખાણમાંથી બહાર આવે પછી નિર્જીવ સમજાય છે.
* ચંદ્રકાંતમણિ અને સૂર્યકાંતમણિ બન્ને શ્વેત (સફેદ) હોય છે. ચંદ્રકાંતમણિ પર ચંદ્રનાં કિરણો પડવાથી અમૃત ઝરે છે અને સૂર્યકાંતમણિ પર સૂર્યનાં કિરણો પડવાથી અમૃત ઝરે છે.
* રત્ન ખરેખર ખૂબ જ ચમત્કારિક હોય છે. રત્નોનો ઉપયોગ વીંટી, લોકેટ, યંત્ર વગેરેમાં કરવામાં આવે છે. જો તમે કોઈ કારણસર રત્ન ધારણ ન કરી શક્યા હો તો જે-તે દિવસે તેનાં દર્શન કરવાથી પણ રત્ન ધારણ કરવા જેટલું જ અસરકારક ફળ મળે છે. જેમ કે, રવિવારે માણેક અને ગોમેદનું, સોમવારે મોતી અને વૈદૂર્યનું, મંગળવારે પરવાળું (પ્રવાલ)નું, બુધવારે પન્નાનું, ગુરુવારે પોખરાજનું, શુક્રવારે હીરાનું અને શનિવારે નીલમનું દર્શન કરવાથી ઘણું સુખ અને શુભ ફળ મળે છે.
કવિ કલિદાસે મેઘદૂત, રઘુવંશ, શાકુંતલ વગેરે ગ્રંથોમાં જે રત્નોનો ઉલ્લેખ કર્યો છે તે નાગમણિ, વૈદૂર્ય, નીલમાણિક્ય, નીલમહાનીલ, પરવાળાં, માણેક, પદ્મરાગ, મરકત, કુલીશ, વિભ્રમણિ, સંગમણિ, ચંદ્રકાંતમણિ, સ્ફટિક, મુક્તા, સીતામણિ, યષ્ટિ, સૂર્યકાંત વગેરે છે.
* શંખમણિ ધારણ કરવાથી આયુષ્યમાં વૃદ્ધિ થાય છે.
* રત્ન ચાર ખૂણાઓવાળું, છ ખૂણાઓવાળું, ગોળ, અત્યંત ગાઢ રંગવાળું કે રંગ વિનાનું, લીસ્સું, ભારે, પ્રકાશ આપનાર, અંદર પ્રકાશ ધરાવનાર કે પ્રકાશમાં ઝબકારા મારનાર પણ હોય છે.
|
Share This
|
Sunday, 20 September 2015
નવ ગ્રહની વીંટી ધારણ કરાય? ( kirit )
Subscribe to:
Post Comments (Atom)
very good info about 9, griha
ReplyDelete